@ What an idea... મુંબઈમાં રહેતો અને 8માં ધોરણમાં અભ્યાસ કરતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયેલો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો એ અભ્યાસના કેટલાક પુસ્તક મામાના ઘરે જ ભૂલીને આવ્યો. બીજા દિવસે મામાને ફોન કર્યો કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે ? મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળે આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય. આ વાત સાંભળ્યા બાદ તિલકનું મન ચકરાવે ચડ્યું. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય ? એ દિશામાં એ વિચારવા લાગ્યો અને એને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય. તિલકએ બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેશ દેખાયો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે...