"ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે..."
"યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.
જેવા જેના કર્મ હો , ફળ આપે ભગવાન.
માનવ છીએ તો જીવનને, જીવો માનવ બની,
શ્રાપ બની જશે નહિતર, માનવ જન્મ વરદાન..."
- અલ્કેશ ચાવડા 'અનુરાગ'
હજી એકાદ માસ પહેલાજ એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના યુવાન પુત્ર, પુત્રવધુ , પોતાની પત્ની અને નાનકડા પૌત્રની લાશને કાંધ આપી ચૂકેલા જીવતરની જંગ કુદરતના એક ફટકાથી હારી ચૂકેલા અને હવે જીવનને સાવ નીરસ અને અર્થહીન માની ચૂકેલા વિખ્યાત દવા કંપનીના માલિક આજે પોતાની હવેલી જેવડા મોટા આલીશાન ઘરની આગાશી પર એકલા અટૂલા જાણે જીવનનેજ નહિ પરંતુ પોતાના ચાલી રહેલા શ્વાસ નો પણ બોજ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા. હજી મહિના પહેલા પૌત્રની બાળહઠ અને એની કિલકારીથી ગુંજી ઉઠતું એમનું આલીશાન ઘર આજે જાણે સ્મશાન જેવું ભેંકાર ભાષતું હતું. પોતાના યુવાન પુત્રના કંપની ચલાવવાના થનગનાટ અને તરવરાટ થી કરોડો રૂપિયાનો નફો રળતી એમની કંપની જાણે અનાથ થઈ ચૂકી હતી. પોતાની પુત્રવધૂના પ્યારથી અને સુંદરતાથી શુશોભીત એનું ઘર આજે ભારે કદરૂપુ થઈ ચૂક્યું હતું. પોતાની પત્નીની એ મીઠી ટકોરો વિનાનું એનું ઘર આજે શાંત હતું પણ એ શાંતિ અંતરને ખૂબ અકળાવનારી અને શૂળની જેમ પીડાદાયક હતી...
આજે મકાનની અગાશી પર બેઠા બેઠા એ શેઠને વર્ષો પહેલાનો એ પ્રસંગ યાદ આવી ગયો કે એક ગરીબ મજૂરનો પરિવાર ડોકટરોની મિલીભગત થી પોતાની કંપનીની એક્સપાયરી ડેટ વાળી દવા ગળવાથી મોતને ભેટ્યો હતો અને એ મજૂરે અહીં સામેજ પોતાના આલીશાન બંગલાની બહાર અનરાધાર આંશુ વહાવ્યા હતા.
એ આખી ઘટના એમ હતી કે પોતાની કંપનીનો નફો વધારવા માટે આ શેઠ પોતાની કંપનીમાં બનતી દવાઓમાં ઘણી ભેળસેળ તો કરતાજ હતા પણ આ ઉપરાંત દવાની મોટી કંપની હોવાથી મોટી મોટી હોસ્પિટલો અને મોટા મોટા ડોક્ટરો જોડે એમનો સીધો કોન્ટેકટ હતો. ડોકટરોને મોટા મોટા કમિશનની લાલચ આપી સારી દવાની સાથે એક્ષપાયરી થઈ ચુકેલી દવાઓ પણ એમની કંપની અભણ અને ભોળા દર્દીઓને પધરાવતી. ઘણા વર્ષોથી આ વધુ નફો રળવાનો કારોબાર ખૂબ સારી રીતે આ શેઠે ચલાવ્યો અને પોતાની કંપનીમાં કરોડો અબજો રૂપિયા રળી લીધા હતા. ખૂબ સારી આવક થતી હોવાથી શેઠ કે એના દીકરાએ કદી પણ એ નહોતું વિચાર્યું કે એમના પોતાના નફાના સ્વાર્થમાં ન જાણે કેટલાય ભોળા અને અણસમજ ગરીબોના જીવનનું નુકશાન થઈ રહ્યું હતું. એમને પોતાની આવક સિવાય ક્યાં બીજું કાંઈ દેખાતું હતું. એમને તો માત્ર દેખાતું હતું કે પોતાનું બેન્ક બેલેન્સ રોકેટ ગતિએ વધી રહ્યું છે. એમની સાથે મોતના આ કારીબારમાં ભળેલા અને વેચાઈ ચૂકેલા એ ડોક્ટરો પણ પોતાની મર્યાદા ઉથાપી ચુક્યા હતા. કમિશનના રૂપમાં થતી એમને પણ અઢળક કમાણી જોઈ એ એવા અંજાઈ ગયા હતા કે એ પણ ભૂલી ગયા કે સમાજ અને દર્દીઓ ડોકટરોને ભગવાનનો દરજ્જો આપે છે. ટૂંકમાં એ ભગવાનો પણ શૈતાન બની ચુક્યા હતા.
વર્ષોથી પોતાનું કંપનીમાં દવાઓના વેચાણનો આ ભેળશેલિયો કારોબાર ચાલતો હતો. ઘણા બધા લોકોએ એમના વિરુદ્ધ અવાજ પણ ઉઠાવેલો પરંતુ પોતાના પૈસા અને વગ ના જોરે ક્યાંય એ કંપનીની ખરાબ વાત એ શેઠે બહાર આવવા દીધી ન હતી. પણ એક વખત એવું બને છે કે જે પ્રસંગ બાદ પ્રથમ વાર એ શેઠને કાંઈક ખોટું કરતા હોય એવી પ્રતીતિ ઘડીભર માટે થઈ આવે છે.
હિસ્પિટલથી પોતાની કંપનીમાં બનેલી દવા ગળવાથી એક ગરીબ મજૂર રિએક્શન આવતા મોતને ભેટે છે. અને એ મજૂરની પત્ની પોતાના નાનકડા બે બાળકો સાથે કોઈ સહારા વિનાની નિરાધાર બની જાય છે. પરિવારનો આધાર એવો એ મજૂરણ નો પતિ મૃત્યુ પામતા વિધવા બનેલી એ બાઈ માથે જાણે આભ તૂટી પડે છે. રોજની મજૂરી કરી બે ટંક ખાવાનું ખાતો એ ગરીબ પરિવાર જાણે પિંખાઈ જાય છે. પણ આ બધી પરિસ્થિતિ થી સાવ અજાણ એ શેઠના ઘરે ડાઇનિંગ ટેબલ પર બત્રીસ ભાતના પકવાન બને છે. શિયાળાની કડકડતી ઠંડીથી બચાવવા એ વિધવા મજૂર બાઈ પોતાના નાના બાળકોને પોતાના ફાટેલા સાડલાના પાલવથી રક્ષણ આપી રહી હતી ત્યાં આવા હજારો ગરીબોના પૈસાથી અમિર બનેલ એ શેઠના ઘેર એના પૌત્રને પહેરવા અને ઓઢવા કપડાની કોઈ કમી ન હતી...
બીજી વધારે તો નહીં પણ એ મજૂર બાઈને એટલી ખબર પડી કે એના પતિનું મૃત્યુ એક્સપાયરી દવાના રિએક્શન થી થયું છે. ત્યારે એ બાઈ પોતાની કેડ પર પોતાના એક બાળકને અને બીજાની આંગળી પકડી આ શેઠના ઘરના દરવાજે આવી હતી. ભુખના કારણે રોકકળ કરતા પોતાના નાનકડા છોકરાં ને શાંત કરતા કરતા એને જાણે રડતી આંખે પોતાની ભીતરથી એ શેઠને શ્રાપ આપ્યો હતો કે...
"શેઠ,જેમ મારો પરિવાર તમારી દવાથી મારા પતિના મૃત્યુના કારણે વેરવિખેર થયો છે એમ ભગવાન પણ તમને આવો દિવસ એક 'દિ જરૂર બતાવશે. આ એક વિધવાની કચવાટ કરતી આંતરડી બોલે છે..."
બસ આટલું કહી એ બાઈ ત્યાંથી ચાલતી થયેલી અને શેઠને ક્ષણ વાર માટે પોતે જે કરી રહ્યા છે એ ખોટું તો છે જ એવી પ્રતીતિ થઈ આવેલી. પણ પાછું એ મિલાવટનું ચક્કર એમને ચાલુ રાખ્યું જ હતું...
આજે એ શેઠ પાસે ભૌતિક સંપત્તિના રૂપમાં બધુજ હતું છતાં સુખના રૂપે કશું જ ન હતું. એકાંતમાં આજે શેઠને વર્ષો પહેલા એ મજૂર બાઈ નો આપેલો શ્રાપ અક્ષરસ યાદ હતો. પસ્તાવાના રૂપમાં એમની આંખો આંસુથી છલોછલ હતી. પણ હવે પસ્તાવો કરવાથી કાંઈ મળવાનું ન હતું. હવે તો ભગવાન પાસે એમની એકજ પ્રાર્થના હતી કે જલ્દી થી જલ્દી એ પોતે પણ મોતને ભેટે અને આ એકલવાયા કષ્ટદાયક જીવનમાંથી મુક્ત બને.
આજે પોતાની કરોડોની સંપત્તિ એ શેઠને મન કોડી ની હતી અને જીવનભર અનિતિના રસ્તે ભેગી કરેલ સઘળી
સંપત્તિ હવે અનાથાશ્રમોને દાનમાં આપી દેવાના નિર્ણયથી તત્કાલિક વકીલ પાસે વસિયત બનાવી અને તમામ સંપત્તિ અનાથાશ્રમોને અને જરૂરિયાતમંદો ને વહેંચી આપી.
શેઠને સાચી વાતનું ભાન તો થયું પણ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. કુદરતની લાકડી પડ્યા બાદ એ શેઠને સત્ય સમજાયું.
તમામ સંપત્તિનું દાન કર્યા બાદ પોતાનીજ કંપનીમાં બનેલી ઊંઘની ઘણી બધી ગોળીઓ ગળી એ શેઠ સદાને માટે સુઈ ગયા અને પોતાની અંતિમ નોટ માં લખતા ગયા કે...
"ભગવાન બધું જોઈ રહ્યો છે,મને મારા કર્મોનો બદલો આખરે મળી જ ગયો..."
● POINT :-
માણસ પોતાની સત્તા કે સંપત્તિના જોરે કદાચ ઘણી વાર પોતાના પાપ કર્મોથી બચી જાય પણ જ્યારે આ બધું હદની બહાર જાય અને કુદરતની લાકડી જ્યારે ફરે ત્યારે એ પાપ સ્વયં માણસનો પણ સર્વનાશ કરી નાખે છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે બીજું કોઈ જુવે ન જુવે પણ ભગવાન તો બધું જ જોઈ રહ્યો છે...
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)
ખૂબ સુંદર વાર્તા, જરૂરથી વાંચો અને શેર કરો...
ReplyDelete