Skip to main content

કરિયાવર



POINT OF THE TALK...(10)

"કરિયાવર..."

"કેમ ગણે તું મને કોઈ, નક્કામી વસ્તુ સમાન.
 શું ખબર તને ઘવાય છે, કેટલું મારું સ્વમાન.
 કિંમત મારી તને થશે, જીવનમાં ત્યારેજ,
 કે જ્યારે સાથ છોડી જશે,મારા તનથી મારા પ્રાણ..."
                            - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

ખાધેપીધે સુખી ગણી શકાય એવો એક પરિવાર હતો. એ પરિવારના મુખ્ય માણસ અને એકવીસ વર્ષની યુવાન દીકરીના પિતાની ગામમાં કરિયાણાની દુકાન હતી. દુકાન માંથી મહિને ત્રીસ પાંત્રીસ હજાર જેટલો નફો મળી રહેતો. પરિવારમાં એ ભાઈ પોતે એમની પત્ની યુવાન દીકરી અને એ ભાઈના પિતાશ્રી એમ કુલ મળી ચાર વ્યક્તિઓજ હતા. ચાર રૂમ વાળું મેડા બંધ મકાન પણ ખૂબ સારજ સ્થિતિમાં હતું...

જેમ સૌને મૂડી કરતા વ્યાજ વધારે વ્હાલું હોય છે એમ એ યુવાન દીકરીના દાદાને એની પૌત્રી ખૂબ વ્હાલી હતી અને એ યુવતી પણ એના દાદા પ્રત્યે અપાર સ્નેહ દર્શાવતી હતી. પરંતુ એના પિતાનો સ્વભાવ જરા તેજ હોવાથી એમની હાજરીમાં બિચારી દીકરી એના દાદા સાથે વાત પણ કરી શકતી ન હતી. વૃદ્ધત્વને કારણે નિસ્તેજ બની ગયેલા ઘરના વડીલ એવા એ વૃદ્ધ દાદાની સ્થિતિ એ પરિવારમાં ખૂબ દયામણી હતી. એમને કશુંજ પૂછવામાં ન આવતું કે જણાવવામાં પણ ન આવતું. ઘરના ખૂણામાં આવેલ નાનકડા રૂમની બહાર નીકળવાની પણ પરવાનગી ન હતી. બે ટાઈમ જમવાની થાળી એમની રૂમમાં હડસેલી મુકવામાં આવતી. જમ્યા પછી થાળી પણ એમને જાતેજ ધોવી પડતી. એ વૃદ્ધ ક્યારેક ક્યારેક પોતાની શારીરિક તકલીફની વાત એના દીકરાને કરે તો પણ એને ધ્યાનમાં લેવામાં ન આવતી. જાણે કોઈ નક્કામી વસ્તુ ઘરના સ્ટોરરૂમમાં મૂકી દેવામાં આવી હોય એવી સ્થિતિ એ વૃદ્ધની હતી...

એ દંપતીની દીકરી યુવાન થઈ ગઈ હોવાથી બંને માણસે એના લગ્ન કરવાનું વિચાર્યું. સારા મુરતિયાની શોધ થઈ અને શહેરમાં એક સારા ઘરમાં એની સગાઈ કરવામાં આવી. સગાઈ બાદ એક મહિના પછીનું લગ્નનું મુરત પણ કાઢવામાં આવ્યું. દીકરીના લગ્નનો આવડો મોટો નિર્ણય બેઉ માણસે લઈ લીધો પણ એ ભાઈએ પરિવારના વડીલ એવા એના વૃદ્ધ પિતાને એકવાર પણ એની જાણ સુદ્ધાં ન કરી. એ વાતથી એ વૃદ્ધ પિતાને મનોમન ખૂબ લાગી આવ્યું કે કેટલા લાડકોડથી મેં મારા આ દીકરાને ઉછેર્યો ,મોટો કર્યો, કાબેલ બનાવ્યો. ફાટેલા કપડાં મેં પહેર્યા અને એને નવા કપડાં પહેરાવ્યા. પેટે પાટા બાંધીને પણ એના તમામ શોખ પુરા કર્યા. આજે એ મને ઘરમાં કોઈ જુના સામાનથી વિશેષ કઈ સમજતો નથી... પોતાની નાનકડી રૂમમાં પોતાની મૃત પત્નીના ફોટા સામે ભીંજાયેલી આંખો લૂંછતા લૂંછતા એ વૃદ્ધે સુવાનો પ્રયત્ન કર્યો... પણ એમની આંખમાં ઊંઘ ન હતી...

એ ભાઈએ પોતાની દીકરીને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્નમાં હજારો મહેમાનો આમંત્રિત હતા પણ એણે પોતાના પિતાને એક વાર પણ લગ્નની ચોરીમાં આવવા કહ્યું ન હતું. એક તરફ દીકરીના લગ્નની શરણાઈના શૂર ગુંજી રહ્યા હતા તો બીજી તરફ પોતાની ઓરડી જેવી રૂમમાં એ વૃદ્ધના હૃદયમાં દુઃખનો સન્નાટો છવાયેલો હતો... એમના વ્યથિત હૃદયમાંથી શોકનું બેસુંરું સંગીત ડુસકા સ્વરૂપે રૂમની ચાર દિવાલોમાંજ સમાઈ જતું હતું. એ વૃદ્ધ ને ઘણા અરમાનો હતા કે વિદાય લઈ રહેલી પોતાની પૌત્રીને ખૂબ વ્હાલથી પોતાની બાથમાં ભીડી લે, એનો કરિયાવર પોતાના હાથે કરે. પણ પોતાની આ ઈચ્છા એ વ્યક્ત પણ કોની સામે કરે...!!! રૂમની બારીમાંથી એ વૃદ્ધ, વિદાય લઈ રહેલી પૌત્રીને સજ્જડ નયને જોઈ રહ્યા હતા તો એ દીકરીની આંખો પણ લોકોની ભીડમાં પોતાના દાદાજીને શોધી રહી હતી અને એની નજર રૂમની બારી તરફ ગઈ. પોતાના બંને હાથથી દાદાજીએ પૌત્રીને અંતરમાંથી નિઃશબ્દ આશિષ પાઠવ્યા અને દીકરી વિદાય થઈ...

સાસરે ગયેલી દીકરી એક મહિના બાદ હાથમાં ડોક્ટરની ફાઇલ લઈ પિયર આવી. પોતાના પિતાને ખૂબ દુઃખી સ્વરે એણે આખી વાત જણાવી કે..."પપ્પા, મારા પતિની બન્ને કિડની ફેઈલ છે. જો બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ એમને કરવામાં નહિ આવે તો..."  અને દીકરીના આગળના શબ્દો એના રુદનમાજ સમાઈ ગયા. એ પિતા માટે આ સમાચાર ખુબજ આઘાતજનક હતા. હવે શું કરવું ? એ વિચારે એ ખૂબ વ્યથિત હતા. આ આખો વાર્તાલાપ પોતાના રૂમમાં રહેલા એ વૃદ્ધે સાંભળી લીધો. અને મનોમન એક શુભ સંકલ્પ કરી સવાર પડવાની રાહ જોતા પોતાની પથારીમાં પડ્યા.

ફાઇલ માંથી હોસ્પિટલનું સરનામું લઈ વહેલી સવારે કોઈને ખબર ન પડે એમ ચૂપચાપ એ વૃદ્ધ પહોંચી ગયા હોસ્પિટલ. ડોક્ટરને પોતાનો પરિચય આપ્યો અને આખી વાત જણાવી. સંમતિપત્રક પર સહી કરી કે રાજી ખુશીથી હું મારી કિડની મારા જમાઈને દાનમાં આપું છું. ડોક્ટરે એ વૃદ્ધને ખૂબ સમજાવ્યા કે આમ મોટી ઉંમરે એક કિડની કાઢી લેવામાં આવશે તો તમને તકલીફ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. વૃદ્ધ મનોમન બોલ્યા કે... "સાહેબ , આમ પણ મારે જીવવામાં ખૂબ તકલીફ છે જ..."   છતાં વૃદ્ધ પોતાની કિડની દાન ની વાત પર અડગ રહ્યા. એ વૃદ્ધે આ આખી વાત ગુપ્ત રાખવા પણ ડોક્ટરને જણાવ્યું. ડોકટર દ્વારા તરત એ વૃદ્ધના જમાઈ ના ઘેર ફોન જોડવામાં આવ્યો અને કિડની ની વ્યવસ્થા થઈ ગયા ના શુભ સમાચાર આપવામાં આવ્યા. અને કાલે જ ઓપરેશન માટે હોસ્પિટલ આવી જવા જણાવવામાં આવ્યું. બીજા દિવસે સવારમાં જ જમાઇના શરીરમાં એના ઘરડા સસરાની કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સફળ ઓપરેશન થઈ ગયું.

ડોક્ટરે પેલા વૃદ્ધ ને જણાવ્યું હતું એ મુજબજ થયું. એમના શરીરમાંથી એક કિડની કાઢી લેવાતા અને મોટી ઉંમરના કારણે એ વૃદ્ધને પેટમાં સખત બ્લડિંગ શરૂ થઈ ગયું. પોતાની અંતિમ ઘડી નજીક જ હતી છતાં ખૂબ હિંમત એકઠી કરી એ વૃદ્ધે ઇશારાથી નર્ષ પાસે પેન અને કાગળ માંગ્યું અને એની પર ધ્રુજતા હાથે ભાંગ્યા તૂટ્યા અક્ષરે કશુંક લખી એ કાગળ પોતાની પૌત્રીને આપી દેવા જણાવ્યું. અને બીજીજ ક્ષણે એ વૃદ્ધ ચીરનિંદ્રામાં સદાને માટે પોઢી ગયા.

પોતાના દાદાએ લખેલો કાગળ એ યુવતીના હાથમાં આવ્યો એને ખોલ્યો તો અંદર જાણે ધ્રુજતા શબ્દોમાં લખાયેલું હતું કે...
"દીકરી, તારા લગ્નમાં તો હું તને કશુંજ કરિયાવર કરી ન શક્યો પણ આજે મારી કિડની તારા સુહાગને અર્પણ કરું છું. એને જ તારા દાદા તરફથી કરિયાવર ગણી લે જે... સુખી થજે દીકરી..."
આ વાતની જાણ એ વૃદ્ધ ના દીકરાને પણ થઈ અને એના પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો...

● POINT:-
જીવનમાં ઘણી વખત આવુજ બને છે કે કોઈ નિર્જીવ વસ્તુની જેમ આપણે વ્યક્તિને પણ નકામી ગણી સાઈડમાં કરી દઈએ છીએ. પણ એજ વ્યક્તિ સમય આવ્યે "જીવનદાતા"  બની પોતાની જિંદગી પણ દાવ પર લગાવી દે છે...

લેખક:- અલ્કેશ ચાવડા 'અનુરાગ'  (શંખેશ્વર)
           

Comments

  1. ખૂબ સુંદર હૃદયદ્રાવક વાર્તા...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

મોટી વહુ...

POINT OF THE TALK...(44) "મોટી વહું..." "પરીવાર રૂપી માળા ને, સાચવું ધાગો બની.  સાસરામાં બધી લાગણીઓ, નમી વહુઆરુ બની..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' નાનપણમાં એનું સગપણ થઈ ગયેલું હોવાથી એ પરણીને આવી એ ઘરમાં કે જેની આજની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને દયામણી હતી. પોતાના પિતાજીએ એનું સગપણ જ્યારે એ ઘરમાં કર્યું હતું ત્યારે એના સાસરા પક્ષનું ઘર આખા ગામજ નહિ આજુબાજુના પાંચ ગામોમાં પૂછાતું હતું. એના મોટા સસરાનો એવોતો વટ હતો કે આજુબાજુના ગામમાં કોઈનો પણ ડખો હોય એટલે પંચાત કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતા અને ગમે એવડો મોટો ઝગડો પણ એ પતાવી દેતા. એના સસરા પક્ષમાં કોઈ મોટી જાગીરદારી ન હતી પણ પેઢીઓથી એ કુટુંબની સચ્ચાઈ અને નિટીમત્તાના કારણે સમાજ અને ગામમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી. પણ કહેવાય છે ને કે જિંદગી કદી એકધારી નથી ચાલતી. તો ક્રમ મુજબ એ કુટુંબનો સમય પણ બદલાયો. એ વહું ના મોટા સસરાનું મૃત્યુ થતા એમના પછી એમની પેઢીમાં એવું ખમીર ન આવ્યું અને સમય સાથે એ કુટુંબની પ્રતિષ્ઠામાં ...

સ્મશાન...

POINT OF THE TALK... (18) "સ્મશાન..." "નાનકડું એક વિચાર બીજ, વટવૃક્ષ બની જાય છે. ત્યારબાદ એની સુખદ છાયા, સૌને ગમી જાય છે. એકલ વીર બનીને કદી,ચાલી નિકળ મંજિલ ભણી, એક એક જોડાતા જશે, અને અનેક બની જાય છે..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' ...અને ત્રણ માસની લાંબી માંદગી બાદ એ યુવાનના પિતા નું મૃત્યુ થયું. પરિવારના ખુબજ જવાબદાર અને માનવંતા વડીલ તરીકે એના પિતાનું મૃત્યુ એ પરિવાર માટે જાણે વજ્રઘાત સમાન હતું. પરિવારમાં આવતી દરેક સારી કે ખરાબ ઘટનાઓ કે પ્રસંગો ને પોતાની કાબેલિયતથી સુપેરે પાર પાડનાર એ વ્યક્તિનું મોત એટલે જાણે કોઈ ભક્ત પરથી ભગવાનનો હાથ જ ઉઠી ગયો હોય એટલી હદનો ખાલીપો એ પરિવાર અનુભવી રહ્યો હતો. પરિવારમાં કોઈ પ્રસંગ આવવાનો હોય તો કોઈ સભ્યને કઈ પણ ચિંતા જ ન રહેતી કારણ બધાને પરિવારના એ મોભી પર ખૂબ વિશ્વાસ કે એ છે ને બધું ખૂબ સારી રીતે પાર પડી જશે. આજે આખો પરિવાર એ વ્યક્તિનો ...

ભગવાન તો બધું જોઇજ રહ્યો છે !!!

"ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે..." "યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.  જેવા જેના કર્મ હો , ફળ આપે ભગવાન.  માનવ છીએ તો જીવનને, જીવો માનવ બની,  શ્રાપ બની જશે નહિતર, માનવ જન્મ વરદાન..."                                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ' હજી એકાદ માસ પહેલાજ એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના યુવાન પુત્ર, પુત્રવધુ , પોતાની પત્ની અને નાનકડા પૌત્રની લાશને કાંધ આપી ચૂકેલા જીવતરની જંગ કુદરતના એક ફટકાથી હારી ચૂકેલા અને હવે જીવનને સાવ નીરસ અને અર્થહીન માની ચૂકેલા વિખ્યાત દવા કંપનીના માલિક આજે પોતાની હવેલી જેવડા મોટા આલીશાન ઘરની આગાશી પર એકલા અટૂલા જાણે જીવનનેજ નહિ પરંતુ પોતાના ચાલી રહેલા શ્વાસ નો પણ બોજ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા. હજી મહિના પહેલા પૌત્રની બાળહઠ અને એની કિલકારીથી ગુંજી ઉઠતું એમનું આલીશાન ઘર આજે જાણે સ્મશાન જેવું ભેંકાર ભાષતું હતું. પોતાના યુવાન પુત્રના કંપની ચલાવવાના થનગનાટ અને તરવરાટ થી કરોડો રૂપિયાનો નફો રળતી એમની કંપની જાણે અનાથ થઈ ચૂકી હતી. પોતાની પુત્રવધૂના પ્યારથ...