Skip to main content

મોટી વહુ...


POINT OF THE TALK...(44)

"મોટી વહું..."

"પરીવાર રૂપી માળા ને, સાચવું ધાગો બની.
 સાસરામાં બધી લાગણીઓ, નમી વહુઆરુ બની..."
                                  - અલ્કેશ ચાવડા 'અનુરાગ'

નાનપણમાં એનું સગપણ થઈ ગયેલું હોવાથી એ પરણીને આવી એ ઘરમાં કે જેની આજની પરિસ્થિતિ ખૂબ કંગાળ અને દયામણી હતી. પોતાના પિતાજીએ એનું સગપણ જ્યારે એ ઘરમાં કર્યું હતું ત્યારે એના સાસરા પક્ષનું ઘર આખા ગામજ નહિ આજુબાજુના પાંચ ગામોમાં પૂછાતું હતું. એના મોટા સસરાનો એવોતો વટ હતો કે આજુબાજુના ગામમાં કોઈનો પણ ડખો હોય એટલે પંચાત કરવામાં એ મુખ્ય ભૂમિકા ભજવતા અને ગમે એવડો મોટો ઝગડો પણ એ પતાવી દેતા. એના સસરા પક્ષમાં કોઈ મોટી જાગીરદારી ન હતી પણ પેઢીઓથી એ કુટુંબની સચ્ચાઈ અને નિટીમત્તાના કારણે સમાજ અને ગામમાં એમની ખૂબ મોટી પ્રતિષ્ઠા હતી.

પણ કહેવાય છે ને કે જિંદગી કદી એકધારી નથી ચાલતી. તો ક્રમ મુજબ એ કુટુંબનો સમય પણ બદલાયો. એ વહું ના મોટા સસરાનું મૃત્યુ થતા એમના પછી એમની પેઢીમાં એવું ખમીર ન આવ્યું અને સમય સાથે એ કુટુંબની પ્રતિષ્ઠામાં ઓટ આવતી ગઈ. આ બધું જાણવા અને જોવા છતાં પોતાના પિતાનું વચન રાખવા પિયરમાં રાજકુમારીની જેમ લાડે કોડે ઉછરેલી મોટા ઘરની એ દીકરી વહુઆરુ બની એના સાસરે આવી. જ્યારે એ સાસરે આવજ ત્યારે એના સાસરે પરિવારની આબરૂ અને આર્થિક તાણ ખૂબ હતી. છતાં એ બધું ભૂલી માત્ર એક વચનને ખાતર "જેવા એના નસીબ" એવું વિચારી એ સાસરે આવીજ ગઈ.

પરણીને આવી કે તરત એને ખ્યાલ આવી ગયો કે પિતાના ઘેર સીમનો સેઢો પણ એને ભલે ન જોયો હોય પણ અહીં તો એને ઘરના કામની સાથે એના પતિના જોડેજ ખેતરનું કામ પણ આટોપવું પડશે. પણ તેમ છતાં મનમાં સહેજ પણ કચવાટ રાખ્યા વિના એને એ કામ પણ પોતાના પતિની સાથે સાથે કરવા માંડ્યું. દિવસ ઉગ્યે ખેતરે સીરામણ લઈ પહોંચી જવાનું હોવાથી એ ખૂબ વહેલી ઉઠી જાય. ઘરનું મોટા ભાગનું કામ તો અંધારા માજ પતાવી દે. પોતાના સાસુ સસરા માટે બપોરનું ખાવાનું બનાવવું. એમના માટે ચા પાણી બનાવી આપવા. બધાના કપડાં ધોઈ નાખવા. વગેરે તમામ કામ હસતા મોઢે એ દિવસ ઉગ્યામાતો આટોપી લઈ સીરામણ લઈ ને પહોંચી જાય ખેતરે. પિયરમાં તડકો નીકળે ત્યારે ઉઠતી એ લાડકવાયી દીકરી વહુ બનીને સાસરે આવી અને સાસરના ઘર સાથે એને પોતાની જાતનો તાલમેલ સુપેરે બેસાડી દીધો.

સમય જતાં એના દિયરના લગ્ન થયા ઘરમાં એની દેરાણી આવી. સાસુ સસરાને લાગતું હતું કે ઘરમાં બે વહુઓ ભેગી થઈ છે તો હવે ઘરમાં વાદ વિવાદ ચાલુ થઈ જશે. પરિવારની શાંતિ હવે ડોળાઈ જશે. પણ એ મોટી વહુ એ પોતાની સમજદારી અને મોટા મન સાથે એની દેરાણીને ખૂબ પ્રેમ આપ્યો. નાની બહેન બનાવીને રાખી. છતાં એની દેરાણી એની ઈર્ષા કરતી. ઘરમાં એની જેઠાણીનું માન પાન એનાથી સહન ન થતું અને થોડાજ સમયમાં પોતાના પતિ સાથે અલગ રહેવાની એને જીદ માંડી. એના પતિ સાથે આખા કુટુંબે એની જીદ સામે ઝુકવું પડ્યું અને બે ભાઈઓના મિલકત ના ભાગ પડ્યા. ત્યારે એ ઘરની સમજદાર અને સુશીલ મોટી વહુ તરત બોલી...
"મારી દેરાણી ને જે જોઈતું હોય એ આપી દો. પણ બા બાપુજી ને હું એને કદાપિ નહિ આપું. એ બંને અમારી સાથે જ રહેશે..."
નાની વહુ તો આ ઇચ્છતી જ હતી. આમ બાપની મિલકતનો સારો ભાગ લઈ એના દિયર અને દેરાણી અલગ રહેવા ચાલ્યા ગયા. આ બાજુ કોઈ ફરિયાદ વિના કે દેરાણી પ્રત્યે સહેજ પણ કડવાશ લાવ્યા વિના પોતાના ભાગમાં જે આવ્યું એમાજ રાજી થઈ ફરી એજ ક્રમ મુજબ એ મોટી વહુ પરિવારની સેવામાં સમર્પિત થઈ ગઈ.

કોઈ કોઈ વાર એની સાસુ એને કહેતા...
"વહુ બેટા, તું કઈ માટીની બનેલી છે કે ભાઈઓના ભાગમાં તે કોઈ ચીજની માંગણી ન કરી. તારા પિયરમાં ખૂબ લાડમાં ઉછરેલી બેટા અહીં આવી તું તનતોડ મહેનત કરે છે. મને તો લાગે છે કે ગયા ભવમાં ચોક્કસ તું મારી દીકરી હોઈશ..."
ત્યારે જવાબમાં મોં પર આછેરા સ્મિત સાથે સાસુની નજીક જઈ એક દીકરી મા ને જેમ વ્હાલ કરે એમ વ્હાલ કરી કહેતી...
"મા, ગયા ભવની વાત છોડો હું તો આ ભાવમાં પણ તમારી દિકરી જ છું. હું નસીબદાર છું કે મને તમારી સેવા કરવાનો મોકો મળ્યો છે..."
અને એ સાસુ આંખમાં હર્ષનાં આંસુ સાથે દીકરી જેવી પોતાની મોટી વહુને ચૂમી લેતી...

એ સમજદાર મોટી વહુ પોતાના પરિવારના સભ્ય એના સાસુ સસરાની તો સેવા કરતી જ પણ એના ફોઈજી પ્રત્યે એનું સમર્પણ અને દયા તેમજ સેવા ભાવના જોઈ ખરેખર એ મોટી વહુને કોટી કોટી વંદન કરવાનું મન થઇ આવે.

એના ફોઈજી એટલે કે એની સાસુના નણંદ કે જે નિઃસંતાન હતા. એમના સાસરે માત્ર એના ફોઈજી અને ફુવાજી બે જ જણ. હવે સાહિઠેક વર્ષની પાકટ વયે એના ફોઈજી રાડ્યાં અને પતિ તેમજ સંતાન વિહોણા બની ગયા નિરાધાર. ઘરમાં એમના વિશે વાતો થતી હતી ત્યારે હળવેકથી એ મોટી વહુએ એના પતિને કહ્યું...
"સાંભળો છો, તમે કહેતા હો તો આપણે એક કામ કરીએ. બિચારા ફોઈબા ને આ ઉંમરે ઘરમાં એકલું લાગશે. એકલવાયું જીવન વિતાવવું એમના માટે ખૂબ કઠિન થઈ પડશે. આપણે ફોઇબા ને આપણા ઘરે જ લઈ આવીએ અને આપણી સાથે જ રાખીએ. અહીં મા સાથે એ પણ રાજી ખુશીથી રહેશે અને પ્રભુ ભજન કરશે..."
પોતાની પત્ની ની આવડી મોટી સમજદારી ભરી વાત સાંભળી એના પતિને પણ એના પર ખૂબ માન થઈ આવ્યું. પત્નિ નો નિર્ણય એ ભાઈએ પોતાના મા બાપને કહી સંભળાવ્યો. ત્યારે એના સાસુએ કહ્યું...
"પણ વહું બેટા, તું કેટલુંક કામ કરીશ? કેટકેટલાની સેવા કરીશ?"
ત્યારે એ મોટી વહુ એ કહ્યું...
"મા, જો આપણે સંબંધી થઈ અને ફોઇબા ને એમ એકલા રઝળતા મૂકી દઈએ તો પછી સંબંધી શેના !!! માત્ર સંબંધ જ નહીં પણ માનવતાને ખાતર પણ આપણે ફોઇબા નો સહારો બનવું પડે..."
મોટી વહુની વાત સાંભળી એના સસરા પણ બોલી ઉઠ્યા...
"ધન્ય છે વહુ બેટા, તમારી સમજદારીને અને તમારા બાપ ના ઘરના સંસ્કારને..."
અને મોટી વહુના કહેવાથી એના ફોઈજી ને એમના ઘેર લાવવામાં આવ્યા. મોટી વહુ સાસુ સસરાની સાથે એમની પણ એટલી જ તન્મયતાથી સેવા કરવા લાગી.

એ કુટુંબમાં આર્થિક તંગી હતી પણ હૃદયમાં એકમેક પ્રત્યે સ્નેહ અને પ્રેમની તંગી ન હતી અને એ પણ માત્રને માત્ર મોટી વહુની સમજદારીને કારણે , મોટી વહુની ત્યાગ અને સમર્પણ તેમજ પરિવાર ભક્તિ ને કારણે...

● POINT :-
આજે ટૂંકા સ્વાર્થ અને સ્નેહના અભાવે પરિવારો તૂટતા જાય છે. સગા મા બાપ ને પોતાની સાથે રાખવા સંતાનો સંમત નથી થતા ત્યારે પારકા ઘરેથી આવેલી આવી સમજદાર વહુઆરુ પણ હોય છે જે પરિવાર રૂપી માળા ને જોડી રાખવા ધાગાનું કામ કરે છે...
કોટી કોટી વંદન છે એ મોટી વહુને...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)

Comments

Post a Comment

Popular posts from this blog

સ્મશાન...

POINT OF THE TALK... (18) "સ્મશાન..." "નાનકડું એક વિચાર બીજ, વટવૃક્ષ બની જાય છે. ત્યારબાદ એની સુખદ છાયા, સૌને ગમી જાય છે. એકલ વીર બનીને કદી,ચાલી નિકળ મંજિલ ભણી, એક એક જોડાતા જશે, અને અનેક બની જાય છે..."                                   - અલ્કેશ ચાવડા 'અનુરાગ' ...અને ત્રણ માસની લાંબી માંદગી બાદ એ યુવાનના પિતા નું મૃત્યુ થયું. પરિવારના ખુબજ જવાબદાર અને માનવંતા વડીલ તરીકે એના પિતાનું મૃત્યુ એ પરિવાર માટે જાણે વજ્રઘાત સમાન હતું. પરિવારમાં આવતી દરેક સારી કે ખરાબ ઘટનાઓ કે પ્રસંગો ને પોતાની કાબેલિયતથી સુપેરે પાર પાડનાર એ વ્યક્તિનું મોત એટલે જાણે કોઈ ભક્ત પરથી ભગવાનનો હાથ જ ઉઠી ગયો હોય એટલી હદનો ખાલીપો એ પરિવાર અનુભવી રહ્યો હતો. પરિવારમાં કોઈ પ્રસંગ આવવાનો હોય તો કોઈ સભ્યને કઈ પણ ચિંતા જ ન રહેતી કારણ બધાને પરિવારના એ મોભી પર ખૂબ વિશ્વાસ કે એ છે ને બધું ખૂબ સારી રીતે પાર પડી જશે. આજે આખો પરિવાર એ વ્યક્તિનો ...

ભગવાન તો બધું જોઇજ રહ્યો છે !!!

"ભગવાન તો બધું જોઈ જ રહ્યો છે..." "યાદ રાખો આ વાતને , સત્ય સનાતન જ્ઞાન.  જેવા જેના કર્મ હો , ફળ આપે ભગવાન.  માનવ છીએ તો જીવનને, જીવો માનવ બની,  શ્રાપ બની જશે નહિતર, માનવ જન્મ વરદાન..."                                 - અલ્કેશ ચાવડા 'અનુરાગ' હજી એકાદ માસ પહેલાજ એક ગમખ્વાર અકસ્માતમાં પોતાના યુવાન પુત્ર, પુત્રવધુ , પોતાની પત્ની અને નાનકડા પૌત્રની લાશને કાંધ આપી ચૂકેલા જીવતરની જંગ કુદરતના એક ફટકાથી હારી ચૂકેલા અને હવે જીવનને સાવ નીરસ અને અર્થહીન માની ચૂકેલા વિખ્યાત દવા કંપનીના માલિક આજે પોતાની હવેલી જેવડા મોટા આલીશાન ઘરની આગાશી પર એકલા અટૂલા જાણે જીવનનેજ નહિ પરંતુ પોતાના ચાલી રહેલા શ્વાસ નો પણ બોજ સહન કરી શકવાની ક્ષમતા ધરાવતા ન હતા. હજી મહિના પહેલા પૌત્રની બાળહઠ અને એની કિલકારીથી ગુંજી ઉઠતું એમનું આલીશાન ઘર આજે જાણે સ્મશાન જેવું ભેંકાર ભાષતું હતું. પોતાના યુવાન પુત્રના કંપની ચલાવવાના થનગનાટ અને તરવરાટ થી કરોડો રૂપિયાનો નફો રળતી એમની કંપની જાણે અનાથ થઈ ચૂકી હતી. પોતાની પુત્રવધૂના પ્યારથ...